Daily Archives: December 14, 2012
(In Gujarati): Naresh Patel, Kagvad, Keshubhai and “Frightened Society”
Posted by vicharak1
This article in Gujarati exposes Keshubhai Patel’s game plan of dividing the Gujarat electorate by raising bogey of “injustice to Leua Patel” where he has used his henchman, one Nartesh Patel to collect funds in name of a goddess and using religious platform to do political activities.
Gaurang
http://kinner-aacharya.blogspot.com/2012/12/blog-post.html
Tuesday, December 11, 2012
નરેશ પટેલ, કાગવડ, કેશુભાઈ અને “ભયભીત સમાજ” !!
Posted by Kinner Aacharya at 4:21 PM
![]() |
નરેશ પટેલના નિવેદનો માત્ર આંચકારૂપ નથી પરંતુ એ સમસ્ત સમાજવ્યવસ્થાનો, સામાજીક ઢાંચાનો તથા ચૂંટણી વ્યવસ્થાનો અને બંધારણના મૂળભૂળ સિદ્ધાંતોનો ધ્વંશ કરનારા પણ છે |
થોડા દિવસો પહેલા મારા બનેવી અને લેખક – પ્રકાશક, નરેશ શાહ સાથે વાતો ચાલતી હતી.સ્વાભાવિક રીતે જ ચર્ચાનો વિષય હતા લેઉવા પટેલ સમાજના કહેવાતા અગ્રણી એવા નરેશ પટેલ. એમની પ્રવૃત્તિઓથી હવે કોઈ અજાણ નથી અને સમાજ ( અમારે મન સમાજ એટલે સમગ્ર સમાજ, બ્રાહ્મણ કે જૈન નહિ!) માટે જેમને રતીભારની પણ ફિકર હોય તેવા લોકોને આ પ્રવૃત્તિઓ કઠતી હશે તેમાં બેમત નથી. “કંઇક કરવું જોઈએ” એવી વાતો સાથે અમે છુટ્ટા પડ્યા, પરંતુ નરેશભાઈને ચૈન ના પડ્યું અને તેમણે આ બાબતે એક લખાણ તૈયાર કરી ને જનતા પ્રેસ કોન્ફરન્સ (રેસકોર્સના બગીચામાં, નાસ્તો-પાણી વગર!) બોલાવવાનું નક્કી કર્યું. કોઈ કારણોસર એ શક્ય ના બન્યું પરંતુ એમણે મને કેટલાક મુદ્દાઓ આપ્યા, થોડા મુદ્દાઓ મારા દિમાગમાં હતા – એ બંનેનું મિશ્રણ કરી આ નાનો એવો લેખ તૈયાર કર્યો છે. આશા છે કે, જેમને સમગ્ર સમાજની ચિંતા છે અને જે લોકો આવા છેલ્લી કક્ષાના જ્ઞાતિવાદથી ત્રસ્ત છે , દુ:ખી છે – એવા તમામ લોકો આ વિચારોને યથાશક્તિ ફેલાવવાનું કાર્ય કરશે …
શું તમારી બદલે કોઈ જીવી લે, તમારી બદલે કોઈ શ્વાસ લઇ લે એ શક્ય છે?:
જો “ના” , તો પછી તમારે મત કોને આપવો એ અંગે નિર્ણય અન્ય કોઈ શા માટે લઇ શકે?
જો “ના” , તો પછી તમારે મત કોને આપવો એ અંગે નિર્ણય અન્ય કોઈ શા માટે લઇ શકે?
છેલ્લાં કેટલાંક સમય દરમિયાન ખોડલધામ ફેમ નરેશ પટેલના જે પ્રકારનાં નિવેદનો અખબારોમાં આવી રહ્યાં છે તે સમગ્ર સમાજ માટે આંચકારૂપ છે. આપણે અહીં સમગ્ર સમાજની વાત કરી રહ્યાં છીએ અને સમગ્ર સમાજમાં વાણીયાં-બ્રાહ્મણ-લોહાણા, મોચી, સુથાર, લોહાર, કુંભાર, દલિતો, મુસ્લીમો તથા અદિવાસીઓ વગેરે પ્રત્યેક કોમ સાથે કડવા અને લેઉઆ પટેલો પણ આપમેળે સમાવિષ્ટ થઇ જાય છે. યાદ રહેઃ નરેશ પટેલના નિવેદનો માત્ર આંચકારૂપ નથી પરંતુ એ સમસ્ત સમાજવ્યવસ્થાનો, સામાજીક ઢાંચાનો તથા ચૂંટણી વ્યવસ્થાનો અને બંધારણના મૂળભૂળ સિદ્ધાંતોનો ધ્વંશ કરનારા પણ છે. એમના નિવેદનો ઘાતક છે, એમની હરકતો નજીકના ભવિષ્યમાં જ વર્ગ વિગ્રહ ભડકાવે તેવી પુરેપુરી શક્યતાઓ છે.
માતાજીના ધર્મસ્થાનનાં નામે ટોળા ભેગા કરવા અને પછી રીતસરનું રાજકીય બ્લેક મેઈલિંગ શરૂ કરવું, જ્ઞાતિવાદ ભડકે તેવી હરકતો ખુલ્લેઆમ કરવી… એ જ્ઞાતિવાદ નથી તો બીજું શું છે? હમણાં જ ભાઇ નરેશ પટેલએ એવું કહ્યું કે, “જે પક્ષ લેઉઆ પટેલોને વધુ ટિકિટ આપશે તેને લેઉઆ પટેલો મત આપશે!” બીજું નિવેદન એવું કર્યુ કે, “અમે રાજકીય પક્ષોની વર્તણૂંક જોઇને નક્કી કરીશું કે, અમારે કોને મત આપવો!” પછી એમ કહ્યું કે, “લેઉવા પટેલોએ યહૂદીઓની જેમ એકતા દાખવવાની જરૂર છે!’ આજે જ્યારે સૌપ્રથમ જરૂરત ભારતીય બનવાની છે ત્યારે આવી વાતો ધડમાથા વગરની લાગે છે! બહુ વિચિત્ર લાગે તેવી આ વાતો છે. આખા લેઉઆ પટેલ સમાજ વતી નિર્ણયો લેવાનો અધિકાર તેમને કોણે આપ્યો? કોને મત આપવો-કોને ન આપવો, એ દરેક વ્યક્તિની અંગત બાબત છે. તેનાં માટે કોઇ જ્ઞાતિના બની બેઠેલા નેતા વ઼્હીપ જારી કરી શકે નહિ. આવો ફેંસલો કે ચૂકાદો કોઇ વ્યક્તિ જાહેર કરતી હોય તો એ સમાજને માટે ઘાતક પણ છે અને ચૂંટણીની મૂળભૂત ભાવનાને ખત્મ કરનારો પણ છે.
સામાન્ય નાગરિક તરીકે અમને લાગે છે કે, આવા નિવેદનો વાંચીને બાકીની દરેક જ્ઞાતિના લોકોનું લોહી ઉકળી ઉઠે છે. ખરેખર તો લેઉઆ પટેલોનું પણ ઉકળવું જ જોઇએ. કોઇ એક વ્યક્તિ તેમના વતી આવા ફેંસલાઓ લઇ કેવી રીતે શકે? બહુ નિખાલસતાથી કહીએ તો કહી શકાય કે, નરેશ જેવાં લોકોને કારણે લેઉઆ પટેલ જ્ઞાતિ પણ સમાજના તમામ ઇત્તર વર્ગમાં ચર્ચાનો વિષય બની રહી છે. આ નરી વાસ્તવિકતા છે. રાજકીય મર્યાદાઓના કારણે અને અન્ય અનેક પ્રકારનાં ડરને લીધે લોકો જાહેરમાં કશું બોલી શકતા નથી પરંતુ લોકોમાં આ અંગે ભારોભાર રોષ છે. અમે અનુભવ્યું છે કે, ઘણાં લેઉઆ પટેલોને પણ આવી જ્ઞાતિવાદી હરકતો ગમતી નથી પરંતુ તેમનો કોઇ વોઇસ નથી. અથવા તો જ્ઞાતિથી અળગા થવાની તેમની પાસે નૈતિક હિમ્મત નથી.
પરિસ્થિતિ બહુ ગંભિર છે. ધર્મનો ઓટલો હવે રાજકીય રોટલો શેકવા માટે ઉપયોગમાં લેવાય છે. માતાજીના નામે લાખ્ખો લોકોને ભેગા કરીને તેમને રાજકીય સંદેશાઓ અપાય છે. કોઇપણ સમાજ માટે આ માનસિક નાદુરસ્તીની નિશાની છે. શું આપણો સમાજ રિવર્સ ગીયરમાં ચાલી રહ્યો છે? શું આપણે જ્ઞાતિવાદ અને કોમવાદથી ખદબદતા આપણાં ભૂતકાળ તરફ ગતિ કરવી છે? દરેક સમાજે તે વિશે વિચાર કરવો પડશે. લેઉઆ પટેલોએ સૌથી વધુ ગંભિરતા રાખીને આ અંગે ચિંતન કરવું પડશે. જ્ઞાતિની સંખ્યાના આધારે ટિકિટો માંગતા રહીશું તો જાહેર જીવનમાં આપણે વધુ અંધાધુંધી સર્જીશું.
આપણો સમાજ કઇ દિશામાં ગતિ કરશે તેનો બહુ મોટો આધાર પટેલો પર છે. પટેલો પાસે અઢળક ધનસંપદા અને રિસોર્સીસ છે. એમની સુખાકારીને તેઓ હકારાત્મક માર્ગે ઉપયોગ કરે એ ઇચ્છનીય છે, એ જ સાચો રસ્તો છે. સૌથી વધુ સુખી-સંપન્ન હોવાનાં નાતે તેઓ પર વિશિષ્ટ સામાજીક જવાબદારી છે. તેઓ ઇચ્છે તો સમાજને નવો રાહ ચીંધી શકે તેમ છે. પણ એ માટે જ્ઞાતિના રાગડા તાણવાનું બંધ કરવું પડશે અને અન્યાયનાં ઠાલાં મરશિયાને પણ વિરામ આપવો પડશે.
`અન્યાય…. અન્યાય….’ની આ કેશુભાઈની વાતો બાલીશ પણ છે, જુઠ્ઠી છે અને સમાજને ગેરમાર્ગે દોરનારી છે. `સમાજ’ની `એકતા’ના નામે અહીં ખુલ્લેઆમ દાદાગીરી થઇ રહી છે. બ્લેક મેઇલિંગ થઇ રહ્યું છે. અને અન્યાયના નામે લેઉઆ પટેલ જ્ઞાતિની સહાનૂભૂતિ મેળવવાનો તથા તેમનાં પર કાબૂ લેવાના પ્રયાસો થઇ રહ્યાં છે. સવાલ એ છે કે, અન્યાયના ગાણા ગાતા અગ્રણીઓ આ અન્યાયની વિગતો શા માટે આપતા નથી? ગુજરાતના રાજકારણમાં સૌથી વધુ વજન પટેલોનું જ છે અને સ્થાનિક-કોર્પોરેટરોથી શરૂ કરીને મંત્રીમંડળ સુધી પટેલોની જ બોલબાલા છે. ગુજરાતના 182માંથી કેટલા ધારાસભ્યો પટેલ છે? જરા આંકડો કાઢી જુઓ એટલે આપોઆપ ખ્યાલ આવી જશે। ગુજરાતનાં રપ મંત્રીઓમાંથી આઠ મંત્રીઓ પટેલ છે! સૌથી વધુ ટિકિટો તેમને મળે છે, સત્તા તેમને મળે છે. ગુજરાતનાં 14માંથી ત્રણ મુખ્યમંત્રી પટેલ જ્ઞાતિનાં રહ્યાં છે. વેપારથી લઇ રાજકારણ સુધીના દરેક ક્ષેત્રોમાં પટેલોની બોલબાલા છે. પટેલોને જો અન્યાય થતો હોય તો શું આવી સ્થિતિ હોઇ શકે?
જ્ઞાતિની એકતાના નામે જાણે ઘેટાચરાને ઉત્તેજન અપાઇ રહ્યું હોય એમ લાગે છે. માતાજીના નામે થતા મેળાવડાઓનો ઉપયોગ અંગત મહત્વાકાંક્ષા પૂર્ણ કરવા થઇ રહ્યો હોય એવું લાગે છે. આ સમય આવા મેળાવડાઓમાં જોડાઇ જવાનો નથી પણ જાગી જવાનો છે. દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઇ અને આપણે જ્ઞાતિના નામે રક્તતૂલા જેવા ગતકડા જ કરી રહ્યાં છીએ. હા! કચડાયેલી અને પીડિત જ્ઞાતિઓનાં લોકો `એકતા’ની અને અન્યાયની વાતો કરે તો સમજી શકાય એમ છે. પણ વાણીયા, બ્રાહ્મણ, લોહાણા કે પટેલોને કોણ અન્યાય કરી શકવાનું છે? જ્યાં જ્ઞાન, ભણતર, સાહસ અને ઉદ્યમ હોય ત્યાં અન્યાય ટકી જ ના શકે. પટેલો પાસે અખૂટ રીસોર્સીસ છે, એશ્વર્ય છે, સત્તા છે. શું નરેશ પટેલ જેવા લોકો એવું ઇચ્છે છે કે, ગુજરાતનાં તમામ ધારાસભ્ય લેઉઆ પટેલ જ હોવા જોઇએ!
જ્ઞાતિના નામે દાદાગીરીનો આ ખેલ એક ખોટું ઉદાહરણ બેસાડી રહ્યો છે. નરેશ પટેલમાંથી દરેક જ્ઞાતિના-ગામના ઉતાર જેવાં લોકો વાહિયાત પ્રેરણા મેળવી રહ્યાં છે. બ્રહ્મ સેના કે એવી કોઈ સંસ્થા દ્વારા બ્રાહ્મણો માટે ટિકિટ મંગાઈ છે, પુરુષોત્તમ સોલંકી કહે છે કે, કોળીઓને ઓછામાં ઓછી ચાલીસ ટિકિટો આપો! આ તમામ વાતો વાહિયાત છે. અમે બ્રાહ્મણ અને જૈન છીએ પરંતુ જ્ઞાતિના આધારે કે સંખ્યાના આધારે કોઈ બ્રાહ્મણને ટિકિટ મળતી હોય તો તેની સામે અમારો સખ્ત વિરોધ છે. થોડા સમય પહેલા કેટલાંક બ્રાહ્મણોએ સંજીવ ભટ્ટ અને હરેન પંડ્યાના નામે ઉપવાસ માંડ્યા હતાં અને `બ્રાહ્મણોને અન્યાય’ના વાજાં વગાડ્યા હતાં. શું સંજીવ ભટ્ટને કોઇ અન્યાય થયો છે? જો થયો જ હોય તો એ એટલા માટે થયો છે કે, તેઓ બ્રાહ્મણ છે? હરેન પંડ્યા બ્રાહ્મણ હતા એટલે તેમની હત્યા થઇ હતી શું? આવા તાયફાઓ સામાન્ય રીતે પોતાનો સ્વાર્થ સાધવા જ થતા હોય છે. અને આવા દરેક પ્રયાસ સામે અમારો વિરોધ છે. પછી એ પ્રયત્ય બ્રાહ્મણો દ્વારા થતો હોય કે કોઇ લોહાણા અગણી તરફથી થતો હોય કે પછી નરેશ પટેલ દ્વારા થતો હોય.
જ્ઞાતિના બની બેઠેલા અગ્રણીઓ એ વાત જાણી લે કે, જે-તે જ્ઞાતિ તેમની જાગિર નથી અને જ્ઞાતિજનો તેમના ગુલામ નથી. અઢાર વર્ષની વય પછી દરેક નાગરિકને પોતાની વિવેકબુદ્ધિ મુજબ મતદાન કરવાનો અધિકાર છે. તેમને જ્ઞાતિના મંચ પરથી કે ધાર્મિક મેળાવડાના સ્ટેજ પરથી સૂચનાઓ આપવામાં સાર નથી. `અન્યાય…. અન્યાય….’ના ગીતડા ગાતા નીકળેલા કેશુભાઇ પટેલ જેવા નેતાઓએ પણ સમાજનું ઓછું નુકસાન નથી કર્યુ. સૌપ્રથમ તો તેમણે સમાજ (લેઉઆ પટેલ સમાજ)ને અન્યાયના નામે સહાનૂભૂતિ ઉઘરાવવાની ચેષ્ઠા કરી. દાવ ઊંધો પડતા સમાજ (સમગ્ર સમાજ) ભયભીત હોવાનું કહ્યું. એમની દૃષ્ટિ લેઉઆ પટેલ સમાજથી શરૂ કરીને લેઉઆ પટેલ સમાજ પર જ ખતમ થઇ જાય છે. એમની અંગત રાજકીય પછડાટનો બદલો વાળવા હવે તેઓ જ્ઞાતિનો તલવાર-ઢાલ તરીકે રીતસર દુરૂપયોગ કરી રહ્યાં છે.
કોઇ જ રાજકીય પક્ષ સાથે અમારે સ્નાન સૂતકનો પણ વ્યવહાર નથી. ભાજપ હોય કે કોંગ્રેસ હોય… બધા જ પક્ષો જ્ઞાતિઓનો ઉપયોગ કરતા રહ્યાં છે. આ શિરસ્તા સામે દરેક જાગૃત નાગરિકનો ઉગ્ર વિરોધ હોવો જ જોઇએ. પણ સૌથી વધુ વિરોધ તો આ નવા શરૂ થયેલા ટ્રેન્ડ સામે છે-જેમાં જ્ઞાતિના બની બેઠેલા રખેવાળો જ જ્ઞાતિનો ઉપયોગ કરી જાય છે. આ ઘટનાઓ ભયાનક છે, સમાજને વેરણછેરણ કરનારી છે. અમને લાગે છે કે, આવી હરકતો સામે લાલબત્તી ધરવામાં માધ્યમો પણ ઉણાં ઉતરી રહ્યાં છે. નવી શરૂ થયેલી આ પ્રથાને અને આ મહાન કુવિચારને ઉગતો જ ડામી દેવા માટે માધ્યમોનું પ્રદાન અનિવાર્ય છે. માધ્યમો જો આવા દૂષણોને માઇલેજ આપવાનું બંધ કરે તો આપોઆપ તેઓ કદ મુજબ વેતરાઇ જશે. તેમનું કદ મીડિયાએ જ મોટું કર્યુ છે. મીડિયા ન હોય તો તેઓ કશું જ નથી.
જ્ઞાતિવાદ લગભગ દરેક જ્ઞાતિઓમાં વત્તાઓછા અંશે જોવા મળતો હોય છે. પરંતુ અહીં સૌથી વધુ ઉલ્લેખ નરેશ પટેલનો કરવો પડ્યો છે. કારણ કે, તેમણે છેલ્લાં થોડા વર્ષોમાં જ્ઞાતિના નામે ઉપાડો લીધો છે. એમની અંગત મહત્વાકાંક્ષાઓ સાકાર કરવા તેઓ લેઉઆ પટેલ જ્ઞાતિનો નિસરણી તરીકે ઉપયોગ કરી રહ્યાં છે. દુઃખની વાત એ છે કે, પોતાનું કદ મોટું કરવા માટે તેઓ ખોડલધામને માધ્યમ બનાવી રહ્યાં છે.
અમારે કેટલીક મહત્વપૂર્ણ અને સ્પષ્ટ વાતો કહેવી છેઃ
જ્ઞાતિના નામે ટિકિટો માંગતા અને જ્ઞાતિને અન્યાય થવાનું ગાયન ગાતા દરેક લોકોને પ્રજા જ જાકારો આપે, પછી એ જ્ઞાતિ લેઉઆ-કડવા હોય કે બ્રાહ્મણો હોય કે લોહાણા હોય કે જૈન કે અન્ય કોઇ હોય.
જ્ઞાતિનાં નામે વ઼્હીપ જારી કરતા લોકોને તંત્ર જ દંડ કરે, સાણસામાં લે અને પગલા ઉઠાવે તેવી અપીલ છે.
બંધારણએ 18 વર્ષથી વધુના નાગરિકોને સ્વતંત્ર વિવેકબુદ્ધિથી મતદાનનો અધિકાર આપ્યો છે. લોકો જાતે જ નક્કી કરે કે તેઓ કોને મત આપવા માંગે છે. પોતાના જ્ઞાતિબંધુને જ મત આપવો જરૂરી નથી. સામેનો ઉમેદવાર સારો-સ્વચ્છ હોય તો તેને મત આપીએ.
પ્રજા પણ જ્ઞાતિના નામે ભોળવાય નહિં. શાંત ચિત્તથી વિચાર કરે, સમાજને સ્પર્શતા વિવિધ મુદાઓ જેવા કે, માળખાગત સુવિધાઓ, ભ્રષ્ટાચાર, લાઇટ-પાણી-રોડ રસ્તાઓ, જાહેર આરોગ્ય, સલામતી, કાનૂન અને વ્યવસ્થા વગેરે બાબતે કઇ પાર્ટીનું શું પ્રદાન અને અભિગમ છે એ વિશે વિચારીને લોકો સ્વયં નિર્ણય લે કે તેઓ કોને મત આપવા માંગે છે.
નરેશ પટેલને સણસણતો જવાબ આપવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે, બાકીની તમામ જ્ઞાતિઓના વિવિધ મંડળો પોતાની જ્ઞાતિમાં એવો સંદેશ આપે કે, “લોકો પોતાની વિવેકબુદ્ધિથી મતદાન કરે. જ્ઞાતિ જોઇને મત ન આપે.”
છેલ્લી પરંતુ બહુ જરૂરી સ્પષ્ટતાઃ
અમે કોઇ ચળવળકાર નથી, કોઇ જ્ઞાતિનાં વિરોધી નથી અને કોઇનાં તરફદાર નથી. આ કોઇ ઝૂંબેશ નથી, આ માત્ર એક સંદેશ છે – અમારી લાગણી છે. મારા જેવાં કરોડો લોકો જે વિચારે છે તેને અમે આપ સુધી પહોંચાડ્યું છે. આ વિશે હવે પછી અમે કોઇ કાર્યક્રમ નથી કરવાનો , સંમેલનોનો તો પ્રશ્ન જ નથી. કોઇ એક લેખ લખીને આ વાત પ્રજા સમક્ષ પહોંચે કે કેમ એ ખ્યાલ નથી પરંતુ સાવ એમ ને એમ બેસી રહેવા કરતા કૈંક કરવું બહેતર છે એમ માની આ લખ્યું છે! હમણાં જ ક્યાંક વાંચ્ય હતું:
“મંઝીલ મિલ હીં જાયેગી ભટકતે હીં સહી,
ગુમરાહ તો વોહ હૈ જો ઘર સે નીકલે હીં નહિ !”
આ પ્રજાની લાગણી છે, આવું અમે જ વિચારીએ છીએ તેવું નથી. સમાજમાં આવા વિચારોનો વધુ પ્રચાર-પ્રસાર થાય એ જરૂરી છે અને એ માટે અમે આપ સૌની મદદ માંગીએ છીએ. અમારે જે કહેવું હતું એ કહ્યું છે. હવેની જવાબદારી જાગૃત નાગરિકોની છે, સ્વૈચ્છિક સંસ્થાઓની છે.
-કિન્નર આચાર્ય -નરેશ શાહ
Posted in Anti-National, Election, Gujarat, Mockery of Democracy, Narendra Modi, Politics, Politics-Bharat, Social Issues
Tags: કેશુભાઈ, નરેશ પટેલ, લેઉઆ પટેલ, Keshubhai, Naresh Patel