દિલ્હીમાં ૨૦૧૨ના વર્ષમાં ૬૩૫ બળાત્કાર ૯૪ ટકા બળાત્કાર પરિચિતો દ્વારા જ થયા
સુપ્રસિદ્ધ મરાઠી લેખિકા મુક્તા મનોહર લિખિત અને કિશોર ગૌડ અનુવાદિત એક પુસ્તક છે : ‘નગ્ન સત્ય.’ આ પુસ્તક છે દેશમાં રોજેરોજ બનતી બળાત્કારની ઘટનાઓ વિશે. તેના પહેલા જ પ્રકરણમાં ઉલ્લેખ છે કે રોજેરોજ અખબારોમાં આવતી બળાત્કારની ઘટનાઓ લોકોને અસ્વસ્થ કરી દે છે. દા.ત. (૧) શિક્ષકે વિદ્યાર્થિની પર બળાત્કાર કર્યો (૨) લગ્નની લાલચ બતાવીને એક વિદ્યાર્થીએ એક ઈરાની છોકરી પર બળાત્કાર કર્યો (૩) પિતાના અવસાન બાદ એકલી પડી ગયેલી બાળકી પર પિતાના મિત્રોએ જ બળાત્કાર કર્યો (૪) ઇંગ્લેન્ડમાં પિતાએ જ પુત્રી પર વારંવાર બળાત્કાર કર્યો અને પુત્રીને ભોંયરામાં ગોંધી રાખી. એ સંબંધથી એને બાળકો પણ થયાં (૫) મરીન ડ્રાઈવ પર મિત્ર સાથે ફરવા ગયેલી યુવતી પર પોલીસ ચોકીમાં જ બળાત્કાર (૬) બંગલુરુમાં આઈ.ટી. એન્જિનિયર તરીકે કામ કરતી યુવતીને ટેક્સી ડ્રાઈવર ભગાડી ગયો અને પહેલાં બળાત્કાર કર્યો તે પછી તેની હત્યા કરી નાખી (૭) આસામમાં મનોરમા દેવી પર લશ્કરના જવાનોએ બળાત્કાર કર્યો.
દેશ શર્મસાર
સમાજના નગ્ન સત્ય જેવા દિલ્હીની તાજેતરની બળાત્કારની ઘટનાએ આખા દેશને શર્મસાર કરી દીધો છે. દક્ષિણ દિલ્હીના વસંતવિહાર વિસ્તારમાં રવિવારની રાતે દોડતી એક બસમાં પેરા મેડિકલની વિદ્યાર્થિની સાથે તેના જ મિત્રની હાજરીમાં તેના પર સામૂહિક બળાત્કાર થયો. તેને લોહીલુહાણ કરી દઈ વિદ્યાર્થિનીને અને તેના મિત્રને સખત રીતે ઘાયલ કરી નિર્વસ્ત્ર હાલતમાં બસની બહાર ફેંકી દેવાઈ. આ ઘટના વખતે બસમાં ૭ જણ મોજૂદ હતા. આ સાતેય વ્યક્તિઓએ વિદ્યાર્થિની પર વારાફરતી બળાત્કાર કર્યો. પ્રાઈવેટ બસના ગ્લાસ બ્લેક હતા. અંદરથી પરદા પણ લગાવેલા હતા. આ ઘટનાએ દિલ્હીની પહેચાન બદલી નાખી છે. વર્ષોથી ‘દિલવાલોં કી નગરી’ તરીકે ઓળખાતું દિલ્હી હવે ગુનેગારોનું કેપિટલ બની રહ્યું છે. રાતના આઠ વાગ્યા પછી યુવતીઓ બહાર નીકળતાં ફફડી રહી છે. દેશની વિવિધ કોર્ટોમાં ૨૪ હજારથી વધુ બળાત્કારના કેસ પેન્ડિંગ છે. કેટલાક તો ૧૦ વર્ષ કરતાં જૂના છે.
૬૩૫ બળાત્કાર
દિલ્હીની આ પહેલી ઘટના નથી. ૨૦૧૧માં એકમાત્ર દિલ્હીમાં જ ૫૭૨ જેટલા બળાત્કારના કિસ્સા નોંધાયા હતા. ૨૦૧૨માં તા. ૧૭ ડિસેમ્બર સુધીમાં ૬૩૫ જેટલી બળાત્કારની ઘટનાઓ ઘટી છે. એકમાત્ર ચાલુ ડિસેમ્બર મહિનાની જ વાત કરીએ તો એક મહિનામાં દિલ્હીમાં બળાત્કારની આઠ ફરિયાદો નોંધાઈ છે. તે અગાઉ જે ખતરનાક ઘટનાઓ ઘટી (૧) તા. ૧૧ ઓગસ્ટ, ૨૦૧૨ના રોજ દિલ્હી સ્થિત યુવતી પર વલ્લભપુરા ફ્લાયઓવર પર આઠ જણે એક કારમાં સામૂહિક બળાત્કાર કર્યો. (૨) તા. ૧૦ ફેબ્રુઆરી, ૨૦૧૨ના રોજ કાન્જવાલા વિસ્તારમાંથી ૧૭ વર્ષની એક બાળાનું અપહરણ કરી કારમાં જ બે યુવાનોએ બળાત્કાર કર્યો. (૩) તા. ૧૮ જાન્યુઆરી, ૨૦૧૨ના રોજ મણિપુરની ૨૦ વર્ષની યુવતી પર દિલ્હીના દ્વારકા વિસ્તારમાં કારમાં લિફ્ટ આપનાર વ્યક્તિએ બળાત્કાર કર્યો. (૪) તા. ૨૭ જૂન, ૨૦૧૧ના રોજ ઉત્તર દિલ્હીમાં એક સગીરા પર ત્રણ છોકરાઓએ બળાત્કાર કર્યો. (૫) તા. ૨૪ નવેમ્બર, ૨૦૧૦માં ૩૦ વર્ષની મહિલા પર ચાર પીધેલા માણસોએ તેનું અપહરણ કરી ટાટા ૪૦૭ ટેમ્પોમાં ધૌળાકુવા પાસે બળાત્કાર કર્યો.
આ તો થોડાં ઉદાહરણો જ છે. એક ક્લાસિક ઉદાહરણ દેશની કાનૂન વ્યવસ્થામાં રહેલી ક્ષતિનું છે. તા. ૫ જાન્યુઆરી, ૨૦૦૯ના રોજ દિલ્હીના નોઈડા વિસ્તારમાં ૨૪ વર્ષની એમબીએની વિદ્યાર્થિની ધી ગ્રેટ ઇન્ડિયા પ્લેસ મોલમાંથી શોપિંગ કરીને ઘરે જઈ રહી હતી ત્યારે રસ્તામાં જ ક્રિકેટ રમીને ઘરે જઈ રહેલા કેટલાક યુવાનોએ તેને કારમાં ખેંચી લીધી અને ૧૨ જણે વારાફરતી તેની પર બળાત્કાર કર્યો. બધા જ આરોપીઓ બીજા દિવસે પકડાઈ ગયા અને થોડા દિવસ બાદ બધા જ આરોપીઓ જામીન પર છૂટી ગયા. હવે બળાત્કારનો કેસ પાછો ખેંચી લેવા બળાત્કારનો ભોગ બનેલી યુવતીના પરિવારને ધમકીઓ મળી રહી છે.
લોકોએ તમાશો જોયો
સૌથી વિચિત્ર વાત એ છે કે, બળાત્કારની ઘટનાઓ અંગે માત્ર પોલીસ કે પ્રશાસન જ નહીં, પરંતુ સમાજ પણ અસંવેદનશીલ વર્તાવ કરે છે. દિલ્હીની બસમાં રવિવારની રાત્રે જે યુવતી પર સાત વ્યક્તિઓએ બળાત્કાર કર્યો હતો તે યુવતીને તેના મિત્ર સાથે લોહીલુહાણ હાલતમાં રસ્તા પર ફેંકી દેવાયા હતા. યુવતી નિર્વસ્ત્ર હતી. એ રાત્રે દિલ્હી કાતિલ ઠંડીથી થરથર ધ્રુજતું હતું. વસ્ત્રહીન દશામાં રસ્તા પર તડપી રહેલા એ યુવક અને યુવતીને જોવા માટે લોકોનો મોટો સમૂહ એકત્ર થઈ ગયો હતો, પરંતુ આ દૃશ્યને જોઈ રહેલા લોકો પૈકી એક પણ વ્યક્તિએ એ યુવતીનું નિર્વસ્ત્ર તન ઢાંકવા એકાદ વસ્ત્ર પણ ઓઢાડયું નહીં. લોકો તમાશો જ જોતાં રહ્યા. આ ઘટનાની માહિતી મળ્યા બાદ દિલ્હી પોલીસની પીસીઆર વાન ઘટનાસ્થળ પર પહોંચી ત્યારે ૫૦ જેટલા લોકો તમાશાના દર્શક બનીને જ ઊભા હતા. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે તડપતા એ યુગલને પોલીસવાન સુધી પહોંચાડવા પોલીસે લોકોની મદદ માગી ત્યારે એક પણ વ્યક્તિ લોહીલુહાણ યુગલને એ ઊંચકવા તૈયાર ન થઈ. એ યુગલની ચીસો કોઈનાયે હૃદયને સ્પર્શી નહીં. મોટરકારોમાં પસાર થતાં લોકો પણ તમાશો જોતાં જોતાં જતા હતા. પોલીસની પીસીઆરમાં માત્ર ત્રણ જ કોન્સ્ટેબલ હતા. તે ત્રણ જવાનોએ જ મામૂલી કપડાં આપી તેમને ઊંચકી વાન સુધી લઈ ગયા. જે સમાજ આવી ઘટનાઓ માટે પોલીસની નિષ્ક્રિયતાને જવાબદાર ગણે છે તે સમાજ પણ કેવો છે તેનું આ વરવું ઉદાહરણ છે.
પરિચિતો જ ગુનેગારો
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડા અનુસાર ૯૪ ટકા બળાત્કાર જે તે યુવતી કે બાળકીના સગાં-સંબંધીઓ કે પરિવારના મિત્રો દ્વારા જ થાય છે. બળાત્કારનો ભોગ બનતી યુવતીઓમાં ૧૦.૬ ટકા તો ૧૪ વર્ષની વયથી નીચેની સગીરાઓ હોય છે. જ્યારે ૧૯ ટકા ટીન એજ હોય છે. એ જ રીતે ‘જાગોરી’ અને દિલ્હી સરકારે કરેલા એક સર્વે અનુસાર (૧) ૮૫ ટકા દિલ્હીની મહિલાઓ પોતાની જાતને અસુરક્ષિત મહેસૂસ કરે છે. (૨) દરેક વર્ગની સ્ત્રીઓ ૧૫થી ૧૯ વર્ષની ઉંમરમાં કોઈ ને કોઈની છેડછાડ અથવા તો યૌન પ્રતાડનાનો ભોગ બને છે. (૩) પાંચમાંથી ત્રણ મહિલાઓએ એ વાતનો સ્વીકાર કર્યો છે કે, કોઈ ને કોઈ સમયે તેમણે શારીરિક છેડતીનો સામનો કર્યો છે. (૪) ૫૦ ટકા મહિલાઓએ એ વાતનો સ્વીકાર કર્યો છે કે, બસ અથવા ટ્રેનમાં તેમની સાથે છેડછાડ થઈ ચૂકી છે. (૫) સૌથી વધુ બસ, ટ્રેન, મેટ્રો અને સડકો પર મહિલાઓ સાથે અભદ્ર વ્યવહાર થાય છે. (૬) ત્રણમાંથી બે મહિલાઓએ એ વાતનો સ્વીકાર કર્યો છે કે, પાછલા વર્ષમાં બેથી પાંચ વખત તેઓ આ પ્રકારની છેડતીની ઘટનાઓનો શિકાર બની છે. (૭) ૬૫ ટકા મહિલાઓની ફરિયાદ છે કે, તેમની ફરિયાદ પછી પણ તેમને કોઈ મદદ કે રાહત મળતી નથી. બીજી નોંધનીય વાત એ છે કે, રસ્તા પર પસાર થતી કોઈ યુવતી પર બળાત્કાર કરનારા લોકોમાં સૌથી વધુ યુવાનો અશિક્ષિત, ઓછું ભણેલા તથા ઝૂંપડપટ્ટીઓમાં રહેનારા હોય છે. જે રીતે જેલો એ નવી નવી ગુનાખોરી શીખવતી ક્રાઈમ યુનિર્વિસટીઓ બનતી જાય છે તે રીતે ઝૂંપડપટ્ટીઓ પણ ગુનેગારોને પેદા કરતી અને ગુનેગારોને પનાહ આપતી વસાહતો બનતી જાય છે. દિલ્હીની છેલ્લી બળાત્કારની ઘટનાના સાતેય આરોપીઓ ઝૂંપડપટ્ટીમાં રહેનારા છે.
શું સજા થવી જોઈએ?
દિલ્હીની આ શરમજનક ઘટના બાદ આખા દેશમાંથી સખત પ્રતિભાવો જન્મ્યા છે. પ્રજાની માગ છે કે, બળાત્કાર કરનાર વ્યક્તિને ફાંસીની સજા થવી જોઈએ, પરંતુ તેની સામે એક જોખમ એવું છે કે, ફાંસીની સજાના ભયથી બળાત્કાર કરનાર વ્યક્તિ જે તે યુવતી પર બળાત્કાર કરી તેની હત્યા કરી દેશે તેથી ફાંસીના બદલે બળાત્કાર કરનાર વ્યક્તિને તે સેક્સુઅલ એક્ટિવિટી કરી જ ના શકે તે રીતે તેનું કેમિકલ કાસ્ટ્રેશન કરી તેને અંગવિહીન બનાવી દેવો જોઈએ. રાસાયણિક પ્રક્રિયાથી ગુનેગારને નપુંસક બનાવી શકાય છે. સ્પેન અને સ્વિડન જેવા કેટલાક દેશોમાં આવી સજાની જોગવાઈ છે. બળાત્કારની ઘટના બાદ યુવતીઓ પોલીસ સુધી જતાં સમાજમાં આબરૂ જવાના ભયથી ડરે છે. ઘણા ઓછા લોકોને ખબર છે કે, જે યુવતી પર બળાત્કાર થયો હોય તે પછી થતી તબીબી તપાસમાં જે તે યુવતીના અંગમાં બે આંગળીઓથી તપાસ કરવામાં આવે છે જે સૌથી વધુ શરમજનક બાબત છે. યુવતીઓ આ તપાસ દરમિયાન અત્યંત ક્ષોભ અનુભવે છે. આ જંગલી પદ્ધતિ બંધ કરી બીજો કોઈ વિકલ્પ વિચારવો જોઈએ. બળાત્કારના કેસોનો એક જ માસમાં નિકાલ લાવી દે તેવી ફાર્સ્ટ ટ્રેક કોર્ટ્સ રચવી જોઈએ. શહેરોમાં રાતના સમયે પોલીસે ઊંઘી જવાના બદલે રસ્તાઓ પર સઘન પેટ્રોલિંગ કરવું જોઈએ. રાત્રે ફરજ પર હોવા છતાં ઊંઘી જનાર પોલીસ કર્મી કે અધિકારીને નીચલી પાયરી પર ઉતારી દેવા જોઈએ. પબ્લિક ટ્રાન્સપોર્ટ, બસ, મેટ્રો, ઓટો રિક્ષા, કેબ્સ વગેરે પર નજર રાખવા જીપીએસ ટેક્નોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. રસ્તાઓ પર સીસીટીવી કેમેરાઓનો સૌથી વધુ ઉપયોગ કરવો જોઈએ. અમેરિકામાં એક વ્યક્તિ ઘરેથી નીકળે અને સાંજે પાછો આવે ત્યાં સુધીમાં ૧૪ વખત તે સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થતો હોય છે. ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલા તમામ ડ્રાઈવરો-કંડક્ટરો અને ખાસ કરીને સ્કૂલવાન કે સ્કૂલ બસ ચલાવતા તમામ ડ્રાઈવર્સનો અલગ ડેટા સરકાર પાસે ઉપલબ્ધ હોવો જોઈએ.
બળાત્કાર રોકવો એ માત્ર પોલીસનું કે સરકારનું કામ નથી. બળાત્કાર એ સામાજિક રોગ પણ છે. છોકરીઓની ઘટતી સંખ્યા, ઔદ્યોગિકીકરણ, સતત તનાવ, વીડિયો ગેમ્સમાં જોવામાં આવતા હિંસાત્મક દૃશ્યો, ઈન્ટરનેટ પર આસાનીથી ઉપલબ્ધ પોર્ન ફિલ્મો અને શિક્ષણ તથા સંસ્કારનો અભાવ પણ બળાત્કારની વધતી ઘટનાઓ માટે જવાબદાર પરિબળો છે.
http://www.sandesh.com/article.aspx?newsid=108704
|
Leave a comment
Comments 0